News Portal...

Breaking News :

બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી, 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ લાપતા હોવાની આશંકા

2026-07-17 10:31:53
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી, 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ લાપતા હોવાની આશંકા

મ્યાનમારમાંથી નીકળેલા 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ બંગાળની ખાડીમાં લાપતા થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રની બે એજન્સીઓ—આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (IOM) અને સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી (UNHCR)—એ સંયુક્ત નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ખરાબ હવામાનના કારણે મ્યાનમારના દરિયાકાંઠા નજીક બે બોટ ડૂબી ગઈ હતી.

એજન્સીઓના જણાવ્યા મુજબ, બંને બોટ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં મ્યાનમારના પશ્ચિમ ભાગમાં આવેલા રખાઇન રાજ્યમાંથી રવાના થઈ હતી. પ્રથમ બોટમાં આશરે 250 લોકો સવાર હતા. બોટ રવાના થયાના થોડા જ સમય બાદ તે લાપતા થઈ ગઈ હતી અને ત્યારથી તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

જ્યારે બીજી બોટમાં આશરે 280 લોકો સવાર હતા. આશંકા છે કે આ બોટ 8 જુલાઈના રોજ મ્યાનમારના અયેયારવાડી (ઇરાવદી) દરિયાકાંઠા નજીક ખરાબ હવામાનના કારણે ડૂબી ગઈ હતી.
સંયુક્ત રાષ્ટ્રની બંને એજન્સીઓએ જણાવ્યું હતું કે લાપતા થયેલા મોટાભાગના લોકો રોહિંગ્યા સમુદાયના શરણાર્થીઓ છે, જે વધુ સુરક્ષિત અને સારું જીવન મેળવવાની આશાએ દરિયાઈ માર્ગે અન્ય દેશમાં જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એજન્સીઓએ આ ઘટનાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરતાં તેને તાજેતરના વર્ષોની સૌથી મોટી દરિયાઈ દુર્ઘટનાઓમાંની એક ગણાવી છે.

Reporter: admin

Related Post