વડોદરા શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ સામે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને અટલાદરા વિસ્તારમાં બનેલી મારામારીની ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી કુલ ૧૧ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળેલ વિગતો અનુસાર ગત તા. ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ બપોરના સમયે અટલાદરા ગામના કોઠી ફળિયા વિસ્તારમાં સામાન્ય બાબતને લઈને બે પક્ષ વચ્ચે આક્રમક બોલાચાલી સર્જાઈ હતી. એક પક્ષ દ્વારા બુલેટ મોટર સાયકલ રસ્તા પર પાર્ક કરવામાં આવી હતી, ત્યારે ઇક્કો ગાડી પાર્ક કરવા માટે હોર્ન મારવામાં આવતા વાહન ખસેડવા બાબતે વિવાદ ઊભો થયો હતો.
આ સામાન્ય બાબત થોડા જ સમયમાં આક્રમક સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા. બાદમાં હાથાપાઈ, સ્ટીલની પાઈપ વડે હુમલો તેમજ એકબીજા પર ઈંટોના ટુકડાનો મારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બંને પક્ષના કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અટલાદરા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ સામે અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ અનુસારી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
અટલાદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સ્થાનિક માનવ માહિતી સ્ત્રોતો તેમજ ટેકનિકલ માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી આરોપીઓની ઓળખ સ્થાપિત કરવામાં આવી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં બંને પક્ષના કુલ ૧૧ આરોપીઓને ઓછા કલાકોમાં અટક કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેર પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક ભાવના અપનાવી કાયદો અને વ્યવસ્થા જાળવવા નિષ્ઠા દર્શાવવામાં આવી છે.
Reporter: admin







