વડોદરામાં રવિવારે 12મી મેરેથોન યોજાઇ અને તેમાં 1.23 લાખ લોકો દોડ્યા હતા. કોર્પોરેટસ અને ભાજપ તથા સરકારે વાહવાહી કરી લીધી અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નામ પણ નોંધાવી લીધું. પણ સવાર સવારમાં વડોદરાના સામાન્ય લોકોને કેટલી પીડા ભોગવવી પડી કે કેટલી તકલીફ પડી તેની કોઇને પડી નથી. મેરેથોનના તાયફાના કારણે રવિવારે સવારે હજારો વડોદરાવાસીઓ અટવાઇ ગયા હતા અને બિચારા તેઓ કોઇને કંઇ કહી શક્યા પણ ન હતા.

મેરેથોન જેવા તાયફાથી વડોદરાના સામાન્ય પ્રજાજનોને શું ફાયદો થયો હશે તે વડોદરાના લોકો વિચારી રહ્યા છે. સતત 12મી વખત આ મેરેથોન યોજાઇ હતી તો ભુતકાળમાં યોજાયેલી 11 મેરેથોનના કારણે વડોદરાના સામાન્ય લોકોને કોઇ ફાયદો થયો હોય તેવું દેખાતુ નથી. માત્ર ગિનીઝ બુકમાં નામ નોંધાવી વાહવાહી મેળવ્યા સિવાય આ મોંઘી ઇવેન્ટથી કોઇ લાભ સરતો નથી તે દિવા જેવી વાત છે પણ ભાજપવાળાને કે કોર્પોરેટ્સને તે વાત ક્યારેય નહી જ સમજાય.વડોદરાનો સામાન્ય રહેવાસી તો પોતાના રોજીંદા જીવનને કેવી રીતે ચલાવવું તેની પીડા વેઠીને દિવસભર નોકરી ધંધો કરીને પેટીંયું રળતો હોય છે. તેને મેરેથોન જેવી ઇન્ટરનેશનલ ઇવેન્ટથી અને કોર્પોરેટ ઇવેન્ટમાં કોઇ જ રસ હોતો નથી. તેને તો સવારે ઉઠીને કામધંધે જવાનું હોય છે અને તો જ તે પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે છે. મેરેથોનનું આયોજન કરનારાઓ પાસે તો લખલૂટ પૈસો હોય છે. તેમને આવી કોઇની ચિંતા હોતી નથી અને તેથી તેઓ આવા તાયફા દર વર્ષે કરતા રહે છે.તમામ રસ્તાઓ બંધ કરી દેવાતા ઠેર ઠેર ટ્રાફિકજામ.રવિવારે સવારે જ્યારે મેરેથોન યોજાઇ ત્યારે મેરેથોનના રૂટ પર રસ્તા બંધ કરી દેવાયા હતા. પોલીસ કર્મચારીઓ પણ બિચારા વહેલા ઉઠીને બંદોબસ્તમાં આવી ગયા હતા અને રસ્તાઓ પર બેરીકેડ મુકીને બંધ કરી દીધા હતા. સવાર સવારમાં નોકરી ધંધા માટે જવા નિકળેલા હજારો વડોદરાવાસીઓ રસ્તા બંધ કરી દેવાયા હોવાથી અટવાઇ ગયા હતા.અનેક ઠેકાણે તો લોકો અને પોલીસ વચ્ચે ચકમક પણ ઝરી હતી. કોઇક નોકરી ધંધા માટે નિકળ્યું હોય, કોઇ વિદ્યાર્થી ટ્યુશન જવા નિકળ્યો હોય કે કોઇ દર્દીને લઇને નિકળ્યું હોય તે તમામને રસ્તા પર જ અટવાઇ રહેવું પડ્યું હતું.

મેરેથોનના રુટ પર રસ્તાઓ બંધ કરી દેવાતા ઠેર ઠેર ટ્રાફિકજામ સર્જાયો હતો અને હજારો લોકો રસ્તામાં અટવાઇને મેરેથોનના આયોજકોને કોસતા હતા પણ તે સિવાય તે કંઇ કરી શકે તેમ ન હતા. તેમને એ હજું પણ સમજાતું ન હતું કે મેરેથોન જેવી મોંઘીદાટ ઇવેન્ટ કરીને અમારા જેવા સામાન્ય માણસનું શું ભલું થયું...તે બિચારો દર વખતે આવું જ વિચાર્યા કરે છે અને ફરી પાછો પોતાના કામમાં લાગી જાય છે કારણ કે તેનું આમ પણ કોઇ સાંભળવાનું હોતું નથી. મેરેથોન જેવા તાયફાથી તો વડોદરાના નેતાઓ, ભાજપવાળા અને કોર્પોરેટને જ અઢળક ફાયદો થાય છે પણ સામાન્ય માણસને નહીં જ.. ધંધાદારી તાયફાથી 13 કરોડ કમાઇ જનારા આયોજકો સામે લાગતો વસુલવા માગ વડોદરાની વિશ્વામિત્રી બચાવો સમિતીના એડવોકેટે મેરેથોન જેવા ધંધાદારી તાયફાથી આયોજકો 13 કરોડ કમાયા હોવાથી તેમની પાસેથી નિયત તમામ સરકારી ધારાધોરણ મુજબ લાગતો વુસલવાની મ્યુનિ.કમિશનર અને પોલીસ કમિશનર સમક્ષ માંગ કરી હતી. પોતાની રજૂઆતોમાં તેમણે જણાવ્યું કે મેરેથોન દોડમાં ભાગ લેનારા પાસેથી સરેરાશ 1 હજાર રુપિયા ઉઘરાવાયા હોય, આયોજકોએ કરેલી જાહેરાત મુજબ સવા લાખ લોકો દોડ માટે નોંધાયા હોય, શહેરમાં રોડ રસ્તાના ટ્રાફિકને અવરોધતા સ્ટેજ બાંધી દેવાયા હોય, શહેરના 40 કિમીના માર્ગમાં મેરેથોન જેવી ખાનગી ઇવેન્ટ માટે પોલીસ બંદોબસ્ત મુકાયો હોય, પોલીસને ટ્રાફિક માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવું પડ્યું હોય, અને આયોજકોની વેબસાઇટ મુજબ 13 કરોડનું એક જ દિવસમાં ટર્ન ઓવર કરતા હોય ત્યારે સરકારી લાગતો પણ તેમની પાસેથી વસુલવી જોઇએ. રસ્તા પર હોર્ડીંગ, સ્ટેજ બાંધવું તથા ખાનગી કાર્યક્રમ માટે પોલીસ બંદોબસ્ત આપી તથા રસ્તા બંધ કરી આપવા માટે સરકારી ધારાધોરણ મુજબની લાગતો વસુલવી જોઇએ.તેમણે કહ્યું કે કોઇ સામાન્ય વ્યકતિ જો પોતાનું મકાન બાંધે ત્યારે રસ્તા પર રેતી કપચી કે ઇંટો ઉતારી હોય તો પાલિકા તેની પાસેથી લાગતો ભરાવે છે. હોર્ડીંગ માટે પણ અને સ્ટેજ માટે પણ લાગતો ઉઘરાવે છે તો મેરેથોનના આયોજકો પાસેથી પણ સરકારી ધારાધોરણ મુજબ લાગતો વસુલવી જોઇએ.આખું વર્ષ વડોદરાની જનતા ત્રાસ ભોગવે છે. મેરેથોન જેવા જાહેર કાર્યક્રમો કે જેનાથી ટ્રાફિક જામ થતો હોય. તમામ રસ્તા ઉપર અવરજવર ઉપર રોક લાગી જતી હોય તેવા કાર્યક્રમો ઉપર રોક લગાવી જોઈએ.શિવજીની યાત્રા,ઈસ્કોનની રથયાત્રા, સુંદરકાંડ, મોટા ગરબા,રાજકીય રેલીઓ,અન્ય દેશનાં પ્રતિનિધિઓ સાથેની રેલીઓ, મુખ્ય મંત્રી, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી,કેન્દ્રનાં મંત્રીઓ,ધર્મ ગુરુની રેલીઓથી આખું વર્ષ વડોદરાની જનતા ત્રાસ ભોગવે છે. ૨૪ કલાક ધમધમતા જાહેર રસ્તા,બ્રિજ ઉપર થતા આવા કાર્યક્રમોથી થતી હાલાકીને નજરઅંદાજ ન કરી શકાય. લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો...અનુજ નગરશેઠે ફેસબુક પર પોતાની વ્યથા રજૂ કરી હતી કે વડોદરા મેરેથોનના પ્રારંભિક બિંદુ પર સ્વચ્છતા દોડમાં ભાગ લેવા માટે મારી પુત્રીને ઓલ્ડ પાદરા રોડ પર લગભગ 45 મિનિટ સુધી ફસાયેલી રહેવું પડ્યું હતું. આ કાર્યક્રમનું ખરાબ આયોજન કરાયું હતું. વડોદરા મેરેથોન સાથે જોડાણમાં વિદ્યાર્થીઓ માટે ભાગ લેવાનું ફરજિયાત બનાવવાનો શાળાનો નિર્ણય ભાગ લેવાની સંખ્યા વધારવાની ઇચ્છાથી પ્રેરિત હોય તેવું લાગે છે, જેનાથી આગામી વર્ષોમાં વધુ સ્પોન્સરશિપ ભંડોળ મેળવવાની સંભાવના હતી. મેરેથોનના સવારના કાર્યક્રમોની જવાબદારી તેજલ અમીન અને વડોદરા મેરેથોનની હતી. વ્યક્તિગત પ્રચાર માટે સર્જાયેલી અંધાધૂંધીને કારણે અસંખ્ય તબીબી કટોકટી ઉભી થઇ હોવાની પણ શક્યતા છે. ધંધાદારી ઇવેન્ટના આયોજકોના બદલે પોલીસને લોકોનો રોષ ભોગવવો પડ્યો. સવારે તો કુબેર ભવન પાસે નોકરીયાતો ટ્રાફિકજામમાં અટવાયા હતા અને પોલીસ સાથે બોલાચાલી થઇ હોવાના દ્રષ્યો પણ સર્જાયા હતા. ટ્રાફિકના ડાયવર્ઝન અપાયેલા હોવાથી લોકો અટવાઇ ગયા હતા અને કઇ રીતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવું તે તેમના માટે અઘરું થઇ ગયું હતું. લોકોએ મેરેથોનના તાયફા સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. સવાર સવારમાં આ રીતે રસ્તા બંધ કરી દો તો અમારે બસ સ્ટેશન જવું કેવી રીતે તેવો રોષ એક મહિલાએ પ્રગટ કર્યો હતો. પોલીસે તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે અને અમારે બહારગામ જવાનું છે તો અમે બસ સ્ટેશન કઇ રીતે જઇ શકીએ તેવો સવાલ તેમણે વ્યક્ત કર્યો હતો. પોલીસે ખરેખ બસ સ્ટેશન જવા માટે તો એક રસ્તો ચાલુ રાખવોતો તેવો સવાલ તેમણે કર્યો હતો. આ રીતે તો ઘણા લોકો અટવાઇ ગયા હતા અને લોકોનો રોષનો ભોગ ધંધાધારી ઇવેન્ટના આયોજકોના બદલે પોલીસને બનવું પડ્યું હતું.


Reporter: admin